પોલેન્ડની દિગ્ગજ ટેનિસ ખેલાડી ઈગા સ્વિઆટેક ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેણે એક મહિનાનું સસ્પેન્શન સ્વીકાર્યું છે. પ્રતિબંધિત દવાના સેવન બદલ પાંચ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ વિજેતા સ્વીઆટેક સામે આ પગલાં લેવાયા હતા. ઈન્ટરનેશનલ ટેનિસ ઈન્ટેગ્રિટી એજન્સીએ ગયા સપ્તાહે ગુરુવારે જાહેરાત કરી હતી કે, સ્વિઆટેકે હ્રદયની તકલીફ માટેની દવા ટ્રાઈમેટાઝિડિન – ટીએમઝેડનું સેવન કર્યું હતું. આ દવામાં પ્રતિબંધિત તત્ત્વ સામેલ હોય છે, એ ચૂકના પગલે સ્વિઆટેકે એક મહિનાનું સસ્પેન્શન સ્વીકાર્યું છે.
સ્વિઆટેકનો ઓગસ્ટમાં ટુર્નામેન્ટની બહાર કરાયેલો ટેસ્ટ અસફળ રહ્યો હતો. આઈટીઆઈએએ તેની સ્પષ્ટતાનો પણ સ્વીકાર કર્યો હતો. સ્વિઆટેકે જણાવ્યું હતું કે તેણે ઈરાદાપૂર્વક ડ્રગનું સેવન કર્યું નહોતું. તે જેટ લેગ અને ઊંઘ માટે નોનપ્રિસ્ક્રાઈબ્ડ મેલાટોનિન ધરાવતી દવા લેતી હતી. તેની આડઅસરને લીધે ડ્રગ ટેસ્ટમાં વિપરીત પરિણામ આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ટેનિસ જગતના ટોચના ખેલાડી સામે પ્રતિબંધિત ડ્રગ્સનો આ બીજો કિસ્સો છે. અગાઉ ટોચનો ક્રમ ધરાવતા ઈટાલીના ટેનિસ ખેલાડી જેનિક સિનર પણ બે વખત સ્ટીરોઈડના સેવન બદલ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. ઓગસ્ટમાં યુએસ ઓપનના પ્રારંભ પૂર્વ તેને આ આરોપોમાંથી મુક્ત કરાયો હતો. ત્યારબાદ સિનર યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો અને તેનું સિઝનનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું.
23 વર્ષની ઈગા સ્વિઆટેક હાલમાં વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે. અગાઉ બે સિઝનમાં તે પ્રથમ ક્રમે હતી. ગત જૂનમાં તે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન રહી હતી. પેરિસ ઓલિમ્પિક્સમાં ઈગાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. તેને 22 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરાઈ હતી. ઈગા કોરીઆ ઓપન, ચાઈના ઓપન અને વુહાન ઓપનમાં રમી શકી નહોતી. હવે તેના એક મહિનાના સસ્પેન્શનમાં ફક્ત આઠ દિવસ બાકી રહ્યા છે, એ પુરા થયા પછી તે 4 ડિસેમ્બરથી ટેનિસ કોર્ટ પર પરત ફરી શકશે.